The importance of liberal education in modern times

By | April 3, 2022
લિબરલ એજ્યુકેશનનો જો ડિક્શનરી મીનિંગ જોઈએ તો લિબરલનો અર્થ થાય છે – ઉદાર, મન ઇચ્છે કે ફાવે તેમ અને એજ્યુકેશન એટલે શિક્ષણ. લિબરલ એજ્યુકેશન શબ્દ સાંભળીને લોકો પહેલી વારમાં તો તેના અર્થનો અનર્થ કરી દેતા હોય છે. મન ફાવે ત્યારે ભણવાનું અને મન ન હોય તો નહીં ભણવાનું. યુ નો “મેરી મરજી.’ સ્કૂલ કે કોલેજમાં જવાની ઇચ્છા હોય તો જવાનું નહીં તો કશો વાંધો નહીં. લિબરલ એજ્યુકેશનના ઓઠા હેઠળ આવા વિચારો રજૂ કરવામાં આવતા હોય છે અથવા સચોટ કે તર્કપૂર્ણ દલીલ તરીકે લિબરલ એજ્યુકેશનનો ઉપયોગ કરવામાં આવતો હોય છે પણ વાસ્તિવકતા તદન અલગ છે. લિબરલ એજ્યુકેશન એટલે વ્યક્તિને કે વિદ્યાર્થીને તેની મરજી કે ઇચ્છા પ્રમાણેના વિષયોનું શિક્ષણ જ નહીં પણ જ્ઞાનની સમૃદ્ધિ આપતી પ્રણાલી.
એવું શિક્ષણ જે વિદ્યાર્થીને કૂવામાંના દેડકા નહીં પણ અસીમ આકાશમાં વિહરતા પંખી જેવો બનાવે. “લિબરલ’ શબ્દ લેટિન શબ્દ “લિબર’ પરથી ઉતરી આવ્યો છે. ગ્રીસમાં સાહિત્યને લગતી ક્રાંતિ અરનેસાં પિરીયડ)એ જ્યારે જોર પકડ્યું ત્યારે લિબરલ એજ્યુકેશનની હિમાયત કરવાની શરૂઆત થઇ. જો તમે એ સમયના સાહિત્યકારો કે ઉચ્ચ દરજ્જાની વ્યક્તિઓનાં જીવન અને તેમનાં શિક્ષણ વિશે જાણકારી મેળવશો તો ખ્યાલ આવશે કે આર્ટ્સ ભણનારી વ્યક્તિ તેનો ઉચ્ચ અભ્યાસ મેડિકલમાં કરતી, કોમર્સ વિષય ભણનારી વ્યક્તિ એન્જિનિયરિંગમાં ડિગ્રી મેળવતી અથવા તો મેડિકલ ભણનાર વ્યક્તિ તેની રસ-ઋચિ અનુસાર ચિત્રકળા કે સાહિત્ય તરફ વળતી. આ લિબરલ એજ્યુકેશન છે.
વિદ્યાર્થીને જે વિષયમાં રસ હોય એ વિષયને તે ભણી શકે, તે વિષયનું જ્ઞાન મેળવી શકે. ક્રિકેટ જગતનો એક બહુ પ્રચલિત શબ્દ છે – ઓલ રાઉન્ડર. જે ખેલાડી બેટિંગ અને બોલિંગ સારી રીતે કરી શકે એમના માટે ઓલરાઉન્ડર શબ્દ પ્રચલિત બન્યો હતો. ભલે એ ખેલાડી કોઈ એક કૌશલ્ય પર પ્રભુત્વ ધરાવતો હોય પણ તે દરેક કૌશલ્યનું જ્ઞાન ધરાવતો હોય અને જરૂર પડ્યે તેનો યોગ્ય ઉપયોગ પણ કરી જાણે એ ઓલરાઉન્ડર. લિબરલ એજ્યુકેશનમાં પણ એવી જ વાત છે. આજના સમયની શિક્ષણ પ્રણાલી લિબરલ એજ્યુકેશન તરફી નથી. શાળાકીય સ્તરથી શરૂઆત કરવામાં આવે તો વિદ્યાર્થીએ એક પ્રવાહની પસંદગી કરવાની હોય છે. આર્ટ્સ, કોમર્સ કે સાયન્સ.
આર્ટ્સનો વિદ્યાર્થી ક્યારેય સાયન્સના વિષયો ન ભણી શકે કે સાયન્સના વિદ્યાર્થીને આર્ટ્સના વિષયો ઉતરતી કક્ષાના લાગે  કેમ? તો એનો જવાબ છે આપણી શિક્ષણ પદ્ધતિ અને શૈક્ષણિક અભ્યાસક્રમોને લઇને વિદ્યાર્થીને આપવામાં આવતી સમજ. જ્યારે વિદ્યાર્થી સ્નાતક કક્ષાએ પહોંચે ત્યારે તેણે કોઈ એક વિષયમાં સ્પેશિયલાઇઝેશન કરવાનું. આ માટે કોલેજના બે વર્ષ સ્પેશિયલ વિષયની સાથે તેને જે વિષય ગમતા હોય (એ પણ પાછા નિશ્ચિત ગ્રુપમાંથી) એની પસંદગી કરવાની અને એ ભણવાના. પણ ત્રીજા વર્ષમાં તો જે મુખ્ય વિષય હોય તેનો જ અભ્યાસ કરવાનો.
ટૂંકમાં, આર્ટ્સના વિદ્યાર્થીને એકાઉન્ટ કે કેમેસ્ટ્રીની ખબર ન હોય, ઇકોનોમિકસના વિદ્યાર્થીને લોજિક કે બાયોલોજીની માહિતી ન હોય અને સાયન્સના વિદ્યાર્થીને સાયકોલોજી કે ટેક્સેશનની માહિતી ન હોય. આ તો પ્રવાહ બહારના વિષયોની વાત થઇ. આ જ સમસ્યા એક જ પ્રવાહના જુદાં જુદાં વિષયો વચ્ચે પણ સર્જાતી હોય છે. સામાન્ય રીતે આપણે ત્યાં કપ્યુટરના સોફટવેરના જાણકારને હાર્ડવેરની માહિતી ન હોય, મશીનના મિકેનિકલ પાર્ટને જાણનાર વ્યક્તિને મશીનની ઇલેક્ટ્રોનિક ક્ષમતાની માહિતી ન હોય એવો ઘાટ થતો હોય છે. એકંદરે વ્યક્તિ શૈક્ષણિક સ્તરે અને કારકિર્દીના ઉબરે તો યોગ્ય અને ઉચ્ચ કક્ષાની ડિગ્રી સાથે ઊભી હોય છે પણ જ્યારે તેને તેના વિષય કે ક્ષેત્ર બહારની વાત કરવામાં આવે તો સાવ અબૂધ બની જાય છે.
લિબરલ એજ્યુકેશનનું હાર્દ આપણાં પાકશાસ્ત્ર જેવું છે. જેવી રીતે વ્યક્તિને ભોજનના પાયાની સમજ મળે પછી ગુજરાતી, પંજાબી, ચાઇનીઝ, ઇટાલીયન અને કોન્ટિનેન્ટલ ભોજન બનાવી જાણે અને તેમાંથી પોતાની રીતે નવા નવા વેરિએશન કરી શકે છે અને રસોઇકળામાં વધુ પ્રાવીણ્ય મેળવી શકે છે. બસ, એવું જ લિબરલ એજ્યુકેશનનું છે. જુદાં જુદાં વિષયોનાં જ્ઞાનથી વિદ્યાર્થી અને વ્યક્તિ શિક્ષણ જ નહીં પણ જ્ઞાનની નવી ક્ષિતિજોને પાર કરી શકે છે. લિબરલ એજ્યુકેશન એટલે એવી પદ્ધતિ, જેમાં વિદ્યાર્થીને તેની પસંદગી અને ઋચિ મુજબના વિષયોનું જ્ઞાન અને શિક્ષણ મેળવવાની તક મળે છે. આર્ટ્સના વિદ્યાર્થીને વનસ્પતિશાસ્ત્રમાં રસ હોય તો તે તેનું પણ શિક્ષણ મેળવી શકે અને વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીને ચિત્રકળામાં રસ હોય તો તેની કલ્પનાઓને પીંછીનાં માધ્યમથી પ્રસારી શકે.

ભારતમાં સ્થિતિ

ભારતમાં હજુ લિબરલ એજ્યુકેશનનું જોઇએ એવું ચલણ પ્રચલિત નથી બન્યું. આ માટે શિક્ષણ પ્રણાલીની સાથે આજનો સ્પર્ધાત્મક યુગ જવાબદાર છે. જો શ્રેષ્ઠ કારકિર્દી ઘડવી હોય અને સફળતા મેળવવી હોય તો વ્યક્તિએ કોઈ એક વિષયમાં નિપુણતા મેળવવી જ રહી. ઘણાંખરાં અંશે એ વ્યાજબી પણ છે. આખરે જીવનનિર્વાહની વાત આવી જતી હોય છે પણ સૂક્ષ્મ સ્તરે જો વિચારીએ તો આ પ્રકારની શિક્ષણ પદ્ધતિ વ્યક્તિની સમજ, જ્ઞાન અને બુદ્ધિગમ્ય અભિગમને શિક્ષણની કાંચળી કે કોચલામાં સીમિત બનાવી દે છે.

વૈશ્વિક સ્તરે માળખું

અમેરિકા,ચીન સહિત યુરોપમાં લિબરલ એજ્યુકેશન પર ભાર મૂકવામાં આવી રહ્યો છે. આ માટે કેટલીક સંસ્થાઓ પણ કાર્યરત છે. વિદેશના ઘણાં શિક્ષણવિદો અને નિષ્ણાતોએ આ વિષય પર સંશોધન કર્યા છે અને તેના ફાયદા પણ જણાવ્યા છે. ઘણી યુનિવર્સિટીઓ અન્ડરગ્રેજ્યુએટ લેવલ પર લિબરલ એજ્યુકેશન ઓફર કરી રહી છે.

લિબરલ એજ્યુકેશનના ફાયદા

લિબરલ એજ્યુકેશનનો મહત્ત્વનો ફાયદો એ છે કે વ્યક્તિ માત્ર પુસ્તકિયો કીડો નથી બની રહેતી. તેની બૌદ્ધિક ક્ષમતા, કૌશલ્યો, જીવન તરફનો અભિગમ અને વિકાસની પ્રક્રિયા સતત કાર્યરત રહે છે. તે કોઇપણ વસ્તુને કે વિષયને માત્ર ઓબ્બક્ટ કે સજેક્ટ તરીકે નથી લેતી. શિક્ષણનો મૂળ ઉદેશ વ્યક્તિનું જીવન બહેતર બનાવવાનો અને માનવીય ગુણો વિકાસવવાનો છે. બહોળા દષ્ટિકોણના માધ્યમથી શ્રેષ્ઠતા મેળવવાનો છે. આપણે ત્યાં કહેવત છે ને કે અનુભવ શ્રેષ્ઠ શિક્ષક છે. લિબરલ એજ્યુકેશન એ અનુભવનો પર્યાય છે. જો વ્યક્તિને અગનજ્વાળા કેટલી દાહક છે તેની ખબર નહીં હોય તો તે ક્યારેય શાતા આપનારા પાણીનું મૂલ્ય પણ નહીં સમજી શકે અને પાણી કેવી રીતે અગ્નિને બૂઝાવવાની ખાસિયત કે ગુણધર્મો ધરાવે છે તેનું જ્ઞાન નહીં મેળવી શકે. લિબરલ એજ્યુકેશન વિદ્યાર્થીને આ જ પ્રકારે જ્ઞાનની સમૃદ્ધિ બક્ષે છે. લિબરલ એજ્યુકેશન વ્યક્તિએ મેળવેલા જ્ઞાનને સમાજિક અને વ્યાવસાયિક એમ બંને સ્તરે ઉપયોગી બની રહે છે. લિબરલ એજયુકેશન કરિયરની ત્રિજ્યા પૂરતું સીમિત ન રહતાં અનુભવોના પરિઘ સમી વિશાળતા બક્ષે છે. બસ, જરૂર છે લિબરલ એજ્યુકેશન તરફની પહેલ અને હકારાત્મક અભિગમની.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *